Trust Name : સ્વસ્તિક મહિલા ગૃહ ઉદ્યોગ – રાજકોટ
Main Trusty : Smt. Vanditaben Patel
શ્રીમતિ વંદિતાબેન કે. પટેલનો જન્મ સિદ્ધપુર તાલુકાના નાનકડા ગામ કહોડામાં તા. ૨૪-૦૧-૧૯૫૯ના રોજ થયો હતો. નાનપણથી જ ખૂબ સાધારણ કુટુંબમાં જન્મેલા પરંતુ કામકાજ કરવાના ગુણો, જાતમહેનત, સ્વાવલંબીપણું અને સતત કાર્યરત રહેવાની તેમની સ્ફૂરણાએ આજે તેમને સમાજમાં એક સ્થાન, નામ અને દામ બધું જ આપ્યું છે.
પતિ-પત્ની, બે પુત્રો અને એક પુત્રીનો નાનો પરિવાર. પરણીને રાજકોટ સ્થાયી થયા. બાળકો મોટા થતાં તેમને ભણાવ્યા-ગણાવ્યા અને પરણાવ્યા. પહેલેથી જ નવરા બેસી રહેવું ગમતું ન હોવાથી પોતે કંઈકને કંઈક કાર્ય શોધી કાઢતાં. ૧૯૯૦ની સાલથી રાજકોટની સેવિકા સહકારી મંડળીમાં જતા હતાં. ૧૦ વર્ષ સુધી સતત ત્યાં કાર્યશીલ રહ્યા બાદ ૨૦૦૦ની સાલમાં ઉદ્યોગ સાહસિકની તાલીમ લીધી. સરકારે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન, માર્ગદર્શન અને પ્રેરણા આપવા એવી ઓફિસો શરૂ કરી છે જેના દ્વારા યુવાનોને, મહિલાઓને અને કંઈક કરી આગળ વધવા માગતા લોકોને તેમના રસ-રૂચિ અનુસાર જુદા-જુદા લઘુઉદ્યોગોની તાલીમ લઈ લોન લેવા માગતા હોય તો તેની પણ સુવિધા અપાય. આમ કરવાથી વ્યક્તિ સ્વનિર્ભર બને, લઘુઉદ્યોગ સ્થપાય બહેનો પણ ધારે તો ઘણી આગળ વધી શકે.
મેં ૨૦૦૦ ની સાલમાં સી.ઈ.ડી.ની તાલીમ લીધી. એ તાલીમ લીધા પછી મને એટલી બધુ જાણવા મળ્યુ કે ખરેખર સફળ ઉદ્યોગ સાહસિક થવું હોય તો સી.ઈ.ડી ની તાલીમ વિના કોઈ બીજી દિશા નથી. પણ જ્યારે મને ૧,૦૦,૦૦૦ રૂ|. લોન મળી ત્યારે મને આ ૧,૦૦,૦૦૦ રૂ|. મને ૧૦,૦૦,૦૦૦ જેવા લાગતા હતા. ત્યારે મને થયું કે હું આટલા બધા રૂપિયા નું કરીશ શું મારી પરિસ્થિતિ એવી ન હોતી કે હું માલ લઈ આવી ને વેચાણ કરી શકું અને ધંધો વધારી શકું. પણ સી.ઈ.ડી ની તાલીમ લીધા પછી મને એટલી બધી સમજણ આવી, આવડત આવી, એટલા સદગુણોની ભાવના સરસ થઈ ગઈ કે મને કાઈક કરવું છે પણ કાઈક કરવા માટે નું માર્ગદર્શન એક સાચી દિશા દેખાડનાર ગુજરાત ની એક માત્ર સંસ્થા એટલે સી.ઈ.ડી. જેમ કે આપણે મકાન બનાવવું હોય તો પહેલા મકાનનો પાયો મજબુત હોવો જોઈએ તેમ એક સફળ ઉદ્યોગ સાહસિક બનવા માટે સી.ઈ.ડી ની તાલીમ જરૂરી છે. સી.ઈ.ડી ની તાલીમ લીધા પછી પણ મને એમ થાતું હતું કે મારે હજુ આગળ વધવું છે. ત્યારે મને સી.ઈ.ડી ના બધા અધિકારીઓ નો પુરેપુરો સાથ અને સહકાર મળી રહ્યો છે. સફળ ઉદ્યોગ સાહસિક બનવા માટે ધ્યેય, નિષ્ઠા , ગ્રાહક ને આપણે આપણી પાસે કઈ રીતે લાવવું, ગ્રાહક સાથે કેવી રીતે વાત કરવી, ગ્રાહક નું મુલ્યાંકન કરવું તે સાચી જાણકારી મને સી.ઈ.ડી. સંસ્થાની તાલીમ દ્વારા મળી છે.
વંદિતાબેનને પણ ઉદ્યોગ સાહસિકની તાલીમ લેવાની તક મળી. એ તક તેમણે ઝડપી લીધી. સી.ઈ.ડી દ્વારા મળતી તાલીમ લઈ તેઓએ પગભર થવા માટે લોન લીધી. ૨૦૦૦ની સાલમાં રૂ|. ૧,૦૦,૦૦૦ની લોન મળી. આ એક લાખ રૂપિયાથી પોતાનો મસાલાનો ગૃહઉદ્યોગ શરૂ કર્યો એટલું જ નહીં ઘરની સાથે સાથે આમાં પણ ધ્યાન દઈ ખૂબ આગળ વધ્યા. તેમણે ત્યારે માત્ર એક જ વસ્તુ લાલ મરચા ૫ કિલો લઈ તેના દ્વારા પોતાના સ્વતંત્ર લઘુઉદ્યોગના પગરણ માંડયા જે આજે લગભગ ૧૦,૦૦૦ કિલોના આંકને વટાવી ગયો છે. આજે તેમનું વાર્ષિક ટર્ન ઓવર ૯૦ લાખ સુધી પહોંચી ગયું છે. માત્ર ૧૨ ધોરણ સુધી જ અભ્યાસ કરનાર વંદિતાબહેન સમાજમાં સ્ત્રીઓને એક નવી દિશા ચીંધી, આગળ વધવાની પ્રેરણા આપે છે. માત્ર એક મરચાથી શરૂ કરનાર ઉદ્યોગમાં આજે લગભગ ૨૨ વસ્તુઓને આવરી લીધી છે. તેમના હાથ નીચે આજે ૩૫ બહેનો કામ કરે છે. તેમનું જીવન મહિલાઓ માટે દીવાદાંડીરૂપ ગણાવી શકાય. સાવ નજીવા મૂડીરોકાણ દ્વારા પણ આગળ વધી શકાય છે એ વાત તેમણે સ્થાપિત કરી બતાવી છે. એક બહેન જો ધારે તો પોતે તો સ્વનિર્ભર બની શકે છે પણ બીજા કેટલાયને માટે પણ રોજી-રોટીનું સાધન આપી તેના દ્વારા સમાજની કાયાપલટ કરી શકે છે.
વંદિતાબેનને મસાલાનું કામકાજ હોવાથી તેની સાથે સીધી રીતે સંકળાયેલા હોવાથી "રસોડાની રાણી”નું બિરુદ પણ આપવામાં આવ્યું છે. રાજકોટની મોટાભાગની હોટલો અને રેસ્ટોરન્ટો તેમનો માલ ખરીદે છે. આવા આ ઉદ્યોગ સાહસિક બહેનનું રાજકોટની ઘણી બધી સંસ્થાઓએ મોમેન્ટો આપીને તેમના વ્યાખ્યાનોનું આયોજન કરીને બહુમાન કર્યું છે.
તેઓ માત્ર કાર્ય જ કરી રહ્યા છે એવું નથી. દર વર્ષે મહિલાઓ માટે જુદી જુદી શિબિરોનું આયોજન કરીને લગભગ ૩૫૦૦ થી ૪૦૦૦ તાલીમાર્થી બહેનોને માર્ગદર્શન આપ્યું છે. આમ તેઓ માત્ર આર્થિક ઉપાર્જનનું કાર્ય જ નથી કરતાં પરંતું સમાજમાં દીન-દુ:ખી, પીડિત, નિરાધાર મહિલાઓની સહાય માટે પણ સદાય કાર્યશીલ રહ્યા છે. બહેનો કેવી રીતે સમાજમાં માનભેર આગળ વધી શકે તે માટે તેઓ હંમેશા બીજાને માર્ગદર્શન આપી મદદરૂપ બની રહ્યા છે. તેઓના હાથ નીચે બીજા કેટલાયે બહેનો સ્વનિર્ભર બન્યા છે.
આમ સ્વસ્તિક મહિલા ગૃહ ઉદ્યોગ ચલાવતા અને સાથે સાથે સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયેલા વંદિતાબેન પટેલ દરેક બહેનો માટે પ્રેરણાદાતા છે. ગૃહિણીધર્મની સાથે સાથે આર્થિક ઉપાર્જન અને સેવાકીય કાર્યો બધું ખૂબ સરસ રીતે કરી રહ્યા છે. તેમના જીવનમાંથી દરેક બહેનોએ પ્રેરણા લઈ આગળ વધવા પ્રયત્વ કરવો જોઈએ અને સ્ત્રીજાતિનું ગૌરવ વધારવું જોઈએ.
આમ, વધુ માં જણાવતા હું આનંદ ની લાગણી અનુભવું છું કે મારી સફળતા પાછળ ખરેખર જે શ્રેય જાય છે તે ગુજરાત ની એક માત્ર સંસ્થા સી.ઈ.ડી અને તેના અધિકારીઓ જેમ કે એમ.ડી.ભરવાડા સાહેબ અને શ્રી એન.એમ.જાની સાહેબે મને સાચુ માર્ગદર્શન આપ્યું છે.